Navratri 2022: આ નવરાત્રિ છે મિક્સ એન્ડ મેચનો ટ્રેન્ડ, આ સ્ટાઈલ લૂકમાં લગાવશે ચારચાંદ
નવરાત્રિ આવી ગઈ છે. કોરોના કાળ બાદ ખેલૈયાઓ બધી છૂટ સાથે મન મુકીને રમવા માટે તૈયાર થઈ ગયા છે. આ નવરાત્રિમાં ફેશન ટ્રેન્ડ્સ પણ હટકે રહેવાના છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ખેલૈયાઓ થઈ ગયા છે સજ્જ. વોર્ડરોબ થઈ ગયા છે તૈયાર. વાર છે તો બસ ગરબે ઘુમવાની. કોરોના કાળમાં બે વર્ષ સુધી ગરબા ન રમવાની કસર ખેલૈયાઓ આ વર્ષે બમણા જોશથી રમીને પુરી કરવા માંગે છે. એટલે જ સૌ કોઈ હટકે દેખાવાની તૈયારી કરી રહ્યું છે. આ વર્ષે નવરાત્રિમાં યુનિક લૂક્સ ટ્રેન્ડમાં રહેવાના છે. ટિપીકલ બોરિંગ લૂક કરતા અલગ કાંઈક સૌ કોઈ કરવા માંગે છે. તો આજે જાણીશું આ નવરાત્રિમાં તમે કેવા કેવા હટકે લૂક અપનાવી શકો છો.
મિક્સ એન્ડ મેચ-
જો તમે દર વર્ષે એક ને એક ચણિયાચોળી પહેરીને કંટાળી ગયા હો તો આ વર્ષે મિક્સ એન્ડ મેચ કરી શકો છો. એટલે કે, એક સેટમાંથી બ્લાઉઝ, બીજા કોઈ સેટની ઓઢણી અને અન્ય ચણિયો લઈને તમે તમારા ચણિયા ચોલીને રી સ્ટાઈલ કરી શકો છો. આ રીતે તમારા જૂના ચણિયાચોળી રીયૂઝ થઈ જશે અને તમને અલગ લૂક પણ મળશે.
ઈન્ડો-વેસ્ટર્ન લૂક-
આ વર્ષે નવરાત્રિમાં ઈન્ડો વેસ્ટર્ન લૂક પણ ટ્રેન્ડમાં રહેવાનો છે. તમે તમારા ક્રોપ ટોપનો બ્લાઉઝ તરીકે ઉપયોગ કરી શકો છો. આ સાથે તમારા વન શોલ્ડર ટોપ કે સ્પેગેટી ટોપને બ્લાઉઝની જગ્યાએ પહેરી શકો છે અને સાથે ચણિયો અને મેચિંગ દુપટ્ટો પહેરશો તો આ લૂક તમને બીજા કરતા અલગ તારવશે. સાથે બેલ્ટ પણ તમારા લૂકને એન્હાન્સ કરશે.
મલ્ટીકલરનો જાદૂ-
આ વર્ષે નવરાત્રિમાં મલ્ટી કલર લહેંગા ટ્રેન્ડમાં છે. અલગ-અલગ રંગના કાપડમાંથી બનાવવામાં આવેલા લહેંગો ઈન ટ્રેન્ડ છે. આવા લહેંગાને તમે ટ્રેડિશનલ બ્લાઉઝની સાથે વેસ્ટર્ન ક્રોપ ટોપ સાથે પણ પહેરી શકો છો. નવરાત્રિમાં આવો બ્રાઈટ લૂક તમને બ્યુટિફુલ દેખાવામાં મદદ કરશે.
બાંધણી અને લહેરિયા સદાબહાર-
નવરાત્રિના ચણિયા ચોલીની પેટર્નમાં બાંધણી અને લહેરિયા તો સદાબહાર છે. તમે પ્લેઈન બ્લાઉઝ સાથે બાંધણી અને લહેરિયાના દુપટ્ટા અને સેઈમ ઘાઘરાને મેચ કરી શકો છો. આ સાથે પ્લેઈન ચણિયા-બ્લાઉઝ અને હેવી દુપટ્ટો પણ યુનિક લુક્સ આપશે અને કમ્ફર્ટેબલ પણ રહેશો.
કોટન અને બાટિક નવો ટ્રેન્ડ-
આ વર્ષે નવરાત્રિમાં હળવા પરંતુ હટકે ટ્રેન્ડ આપતા કોટનના અને બાટીક પ્રિન્ટના ચણિયાચોળી પણ ટ્રેન્ડમાં છે. કોટનમાં ગરમી ઓછી થાય છે અને હળવા પણ હોય છે. જેમાં ટ્રેડિનશનલ પ્રિન્ટ કરવામાં આવે છે. આ સાથે બાટિકની યુનિક પ્રિન્ટ ધરાવતા ચણિયા ચોળી પણ ઈન ટ્રેન્ડ છે.
રોયલ ગોટા પટ્ટી વર્ક-
જો તમને થોડો રોયલ લૂક જોઈએ છે તો તમે ગોટા પટ્ટી વર્કના ચણિયાચોલી પસંદ કરી શકો છો. તમે તમારી પાસે જે દુપટ્ટો છે એમાં જ ગોટા પટ્ટીની બોર્ડર મુકાવી તેને નવો લૂક આપી શકો છો. અને જો હટકે કરવાની ઈચ્છા હોય તો તમે રાજસ્થાની લૂક અપનાવી શકો છો.